અનિલ દેશમુખને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા બાદ આદેશ પર સ્ટે મુક્યો, જાણો કારણ

  • vatannivat
  • 12-12-2022 07:09 AM

- બોમ્બે હાઈકોર્ટે પૂર્વ મંત્રી અનિલ દેશમુખનાં જામીન મંજુર કર્યા હતા

- જામીન મંજુર કરવાનાં થોડા સમયમાં જ કોર્ટે પોતાના નિર્ણય પર સ્ટે મુક્યો

CBI દ્વારા દાખલ કેસની સુનવણી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને થોડીવાર માટે રાહત મળી હતી. બોમ્બે હાઈકોર્ટે સોમવારે દેશમુખને જામીન આપ્યા હતા. બાદમાં કોર્ટે પોતાના નિર્ણય ઉપર સ્ટે મૂકી દેતા દેશમુખની છૂટવાની નિરાશામાં પરિણમી હતી. જસ્ટિસ એમએસ કર્ણિકે 8મી ડિસેમ્બરે અરજી અનામત રાખ્યા બાદ આજે ચુકાદો સંભળાવ્યો હતો. 

મની લોન્ડરિંગ મામલે દેશમુખને હાઈકોર્ટે 4 ઓક્ટોબરે જામીન આપ્યા હતા

નોંધનીય છે કે અનિલ દેશમુખ એક જ આરોપમાંથી ઉદ્દભવેલી બે તપાસમાં ફસાયેલા છે. જેમાં એક ભ્રષ્ટાચારના ગુના માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા અને બીજી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગના ગુના માટેની તપાસનો સમાવેશ થાય છે. દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં બોમ્બે હાઈકોર્ટે 4 ઓક્ટોબરે જામીન આપ્યા હતા. પરંતુ CBI કેસમાં સ્પેશિયલ કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેને દેશમુખે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

દેશમુખનાં વકીલે આ દલીલ કરી

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી દેશમુખ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વિક્રમ ચૌધરી અને એડવોકેટ અનિકેત નિકમે દલીલ કરી હતી કે બંને કેસ જોડાયેલા હોવાથી અને દેશમુખને ED કેસમાં જામીન આપવામાં આવ્યા હોવાથી તેમને CBI કેસમાં જામીન આપવામાં આવે. ચૌધરીએ દલીલ કરી હતી કે દેશમુખે કથિત રીતે ગુનો કરવા માટે એક વર્ષથી વધુ સમય પસાર કર્યો હતો. જેમાં 7 વર્ષ સુધીની જેલની સજા હતી. ચૌધરીએ કોર્ટને એ પણ જણાવ્યું કે વિવાદાસ્પદ ભૂતપૂર્વ મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેને સીબીઆઈ કેસમાં સરકારી ગવાહ બનાવવામાં આવ્યા છે. હાઈકોર્ટે ED કેસમાં દેશમુખને જામીન આપતી વખતે વાજેના નિવેદનોની સત્યતા પર શંકા વ્યક્ત કરી હતી.

CBIએ જામીનનો વિરોધ કર્યો હતો

CBI તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મંત્રી ઉચ્ચ સ્તરના ભ્રષ્ટાચારમાં સામેલ છે જેણે રાજ્યમાં શાસનને અસર કરી છે. સિંઘ દ્વારા વધુમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે મની લોન્ડરિંગના કેસમાં મંજૂર કરાયેલ જામીન એ પ્રિડિકેટ ગુનામાં જામીન આપવાનો આધાર હોઈ શકે નહીં. CBIનાં વકીલે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે દેશમુખ પ્રભાવશાળી વ્યક્તિ હોવાને કારણે કેસની પેન્ડિંગ તપાસમાં દખલ કરી શકે છે.

કેમ થોડીવારમાં કોર્ટે પોતાના નિર્ણય ઉપર સ્ટે મુક્યો

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની જેલમાંથી બહાર આવવાની આશા ફરી એકવાર તૂટી ગઈ હતી. આ વખતે જામીન પણ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ CBIની છેલ્લી દલીલે 10 મિનિટમાં જ ખેલ ફેરવી નાખ્યો હતો. દેશમુખને જામીન મળ્યા બાદ સીબીઆઈએ હાઈકોર્ટ સામે સુપ્રીમ કોર્ટ જવાની વાત કરી હતી જેને લઈને હાઇકોર્ટે મંજૂરી પણ આપી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે પોતાના આદેશ પર 10 દિવસ માટે સ્ટે આપ્યો હતો.