ભગતસિંહ કોશ્યારીનું રાજ્યપાલ બનવા અંગે સૌથી મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 09-01-2023 06:56 AM

- રાજ્યપાલ બન્યા પછી હું ખુશ નથી, મને નથી લાગતું કે હું યોગ્ય જગ્યાએ છું : ભગતસિંહ કોશ્યારી

- જ્યારે સાધુઓ રાજભવનમાં આવે છે ત્યારે મને આનંદ થાય છે : મહારાષ્ટ્ર રાજ્યપાલ 

રાજ્યપાલના નિવેદન અંગે ભાજપે શું કહ્યું

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ફરી એકવાર તેમના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. શુક્રવારે જૈન સમુદાયના એક કાર્યક્રમમાં તેમણે રાજ્યપાલ બનવા અંગે અત્યાર સુધીનું મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ’રાજ્યપાલ બન્યા પછી હું ખુશ નથી, મને લાગે છે કે હું યોગ્ય સ્થાને નથી’. કોશ્યારીએ વધુમાં કહ્યું હતું કે ’જ્યારે સાધુઓ રાજભવનમાં આવે છે ત્યારે મને આનંદ થાય છે.’ મહારાષ્ટ્રના રાજ્યપાલના આ નિવેદન અંગે ભાજપે કહ્યું હતું કે આ નિવેદન વિવાદના એન્ગલથી યોગ્ય નથી. આ પહેલીવાર નથી જ્યારે ભગત સિંહ કોશ્યારીનું નિવેદન હેડલાઇન્સમાં આવ્યું હોય. આ પહેલા ૧૯ નવેમ્બરે ઔરંગાબાદમાં યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેમણે શિવાજીને જૂના જમાનાના આઇડલ ગણાવ્યા હતા. 

રાજ્યપાલે પોતાનાં અગાઉના નિવેદન પર માફી માંગી હતી

રાજ્યપાલ કોશયારીએ સભામાં બાબાસાહેબ આંબેડકર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નવા યુગના આઇડલ ગણાવ્યા હતા. આ નિવેદન બાદ વિપક્ષના નેતાઓએ તેમના પર પ્રહારો કર્યા અને તેમના રાજીનામાની માગ કરી હતી. ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવનાર શિંદે જૂથે પણ કોશ્યારીના નિવેદનનો વિરોધ કર્યો હતો. આ પછી મહારાષ્ટ્રના રાજ્યપાલે પણ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાના નિવેદન માટે માફી માગી હતી. કોશ્યારીએ લખ્યું હતું કે ’શિવાજી મહારાજ માત્ર મહારાષ્ટ્રનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે. હું શિવાજી જેવા મોટા આઇકન્સનું અપમાન કરવાનું વિચારી પણ શકતો નથી.’