આગામી 2024ની લોકસભા ચૂંટણીને લઈને બિહારના મુખ્યમંત્રીનું મોટું નિવેદન

  • vatannivat
  • 20-02-2023 11:10 AM

- ભાજપને હરાવવા કોંગ્રેસ વિપક્ષને એકજૂટ કરવા પ્રયાસ કરેઃ નિતિશ કુમાર

-  નેતૃત્વ અંગે મારી કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી : PM પદ અંગે નીતીશ

નીતીશે રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

દેશમાં આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ આગળ આવે અને વિપક્ષને એકજૂટ કરવાનો પ્રયાસ શરૂ કરે, તેમાં વિલંબ ના કરે. પટણામાં આયોજિત CPI-MLના રાષ્ટ્રીય કન્વેન્શનમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે PM પદ અંગે કહ્યું કે નેતૃત્વ અંગે મારી કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી. અમે તો ફક્ત પરિવર્તન જ ઈચ્છીએ છીએ. જે બધા નક્કી કરશે તેવું જ થશે. નીતીશે વધુમાં કહ્યું કે અમે તો રાહ જોઈ રહ્યા છીએ કે હવે કોંગ્રેસ આગળ આવીને નિર્ણય કરે અને વિપક્ષને એકજૂટ કરવાનો પ્રયાસ કરે. નીતીશ કુમારે દિલ્હી જઈને સોનિયા-રાહુલ સાથે મુલાકાત પણ કરી હતી.

આઝાદીની લડતમાં ઇતિહાસ બદલવા ધર્મ અને જાતિના લોકોને સાથે કામ કરવું પડશે 

કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે કહ્યું કે તમારા માધ્યમથી કોંગ્રેસના નેતૃત્વને અપીલ કરી છે કે બધા એકજૂટ થશે તો ભાજપ 100 સીટની નીચે સમેટાઈ જશે. બિહારમાં વિપક્ષી દળ એકજૂટ થઈને કામ કરી રહ્યા છે. ત્યારે નીતીશ કુમારે કહ્યું કે આજે આઝાદીની લડાઈનો ઈતિહાસ બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તેથી તમામ ધર્મ અને જાતિના લોકોને સાથે લઈને જ ચાલવું પડશે. આ દરમિયાન નીતીશ કુમારની સાથે તેજસ્વી યાદવે પણ કહ્યું કે કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને આગળ આવવા દેવાની જરૂર છે. જ્યાં ભાજપ સાથે તેમનો સીધો મુકાબલો હોય ત્યાં કોંગ્રેસ તેનો સામનો કરે. કોંગ્રેસે હવે જરાય વિલંબ ન કરવો જોઈએ.