આસામમાં બાળલગ્ન સામે પોલીસની મોટી કાર્યવાહી, જાણો પોલીસે શું પગલાં લીધા

  • vatannivat
  • 06-02-2023 07:46 AM

- આસામમાં પોલીસે બાળ લગ્ન સામેની કાર્યવાહીમાં ત્રણ દિવસમાં 2278 લોકોની ધરપકડ કરી

- સરકારની આ કામગીરીને વિપક્ષે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો

આસામમાં બાળલગ્ન અંગે 4074 FIR નોંધવામાં આવી

આસામમાં પોલીસ દ્વારા બાળ લગ્ન સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિપક્ષની ટીકા વચ્ચે આસામમાં પોલીસે સતત ત્રીજા દિવસે બાળ લગ્નો સામે કાર્યવાહી ચાલુ રાખી હતી. આસામ પોલીસે એક નિવેદનમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે રવિવાર સુધીમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને 2278 થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ ધરપકડ રાજ્યભરમાં નોંધાયેલી 4074 FIRના આધારે કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા સરકારના આ પગલાને 'પબ્લિસિટી સ્ટંટ' ગણાવવામાં આવ્યું છે.

ક્યાં કેટલા લોકોની થઇ ધરપકડ

પોલીસના જણાવ્યા પ્રમાણે આ અંતર્ગત આસામનાં વિશ્વનાથમાં 139 જેટલા લોકો, બરપેટામાં 130 અને ધુબરીમાં 126 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય જિલ્લાઓ જ્યાં 100 થી વધુ ધરપકડ કરવામાં આવી હતી તેમાં બક્સામાં 123 અને બોંગાઈગાંવ અને હોજાઈમાં 117નો સમાવેશ થાય છે. ધુબરીમાં સૌથી વધુ 374 કેસમાં બાળ લગ્ન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જ્યારે હોજાઈમાં 255 અને મોરીગાંવમાં 224 કેસ નોંધાયા હતા.

બાળ લગ્ન સામેની ઝુંબેશ 2026 માં આગામી વિધાનસભા ચૂંટણી સુધી ચાલુ રહેશે : આસામનાં મુખ્યમંત્રી

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ દ્વારા બાળ લગ્ન સામેની ઝુંબેશ 2026 માં આગામી વિધાનસભા ચૂંટણી સુધી ચાલુ રહેશે. શર્માએ કહ્યું હતું કે હાલમાં સગીરોના લગ્નમાં સામેલ માતા-પિતાને નોટિસ આપીને છોડી દેવામાં આવી રહ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી રહી નથી. વિરોધ પક્ષો દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી અને આ પગલાને 'પબ્લિસિટી સ્ટંટ' ગણાવ્યો હતો.

અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે આપી પ્રતિક્રિયા

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો આસામ સરકાર ખરેખર બાળ લગ્નની સમસ્યાને સમજતી હોય તો તેણે સાક્ષરતાના સ્તરને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે, "નિષ્ણાતોનું કહેવું છે કે જો તમારે બાળલગ્ન રોકવા હોય તો તમારે ઘણી શાળાઓ ખોલવી પડશે, પરંતુ તમે (ભાજપ સરકારે) એવું કર્યું નથી." તમે મદરેસાઓ પણ બંધ કરી દીધા છે જે કોઈને કોઈ સ્વરૂપે શિક્ષણ આપતા હતા.

કોંગ્રેસે શું કહ્યું

આસામ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન બોરાએ આ અંગે જણાવ્યું હતું કે આ મુદ્દાને ઉકેલવા માટે માનવીય અભિગમની જરૂર છે. તેમણે કહ્યું કે અમે બાળ લગ્નના વિરોધમાં છીએ. પરંતુ મોટા બાળકો સાથેના પરિવારોને વિક્ષેપિત કરવાથી શું ફાયદો થશે? આ એક પબ્લિસિટી સ્ટંટ સિવાય બીજું કંઈ નથી.