ધોનીનાં IPL સંન્યાસ પર મોટા સમાચાર, CSK અધિકારીએ આપી માહિતી

  • vatannivat
  • 20-02-2023 11:42 AM

 - IPLની ફાઇનલ મેચ 28 મેના રોજ રમાશે

- IPLની શરૂઆતની સિઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે

IPLનું આગામી સિઝનનું શેડ્યૂલ શુક્રવારે જાહેર

વિશ્વના મહાન વિકેટકીપરોમાંના એક મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે પરંતુ તેમણે હજુ પણ IPLમાં રમવાનું ચાલુ રાખ્યું છે. હવે લાગે છે કે IPL માંથી તેમની વિદાયનો સમય પણ નજીક આવી રહ્યો છે.આ દાવો ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના એક અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ IPLનું આગામી સિઝનનું શેડ્યૂલ શુક્રવારે જાહેર કરી દેવામાં આવ્યું છે.

સિઝનની પ્રથમ મેચ 31 માર્ચના રોજ રમાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ પ્રતિષ્ઠિત 20 લીગની 16 મી સિઝન માટેનું  શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ IPL સિઝનની સૌપ્રથમ મેચ 31 માર્ચના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જયારે ફાઇનલ મેચ 28 મેના રોજ રમાશે. ક્રિકેટમાં ’થાલા’ તરીકે ઓળખાતા ધોની માટે આ IPLની છેલ્લી સિઝન હોઈ શકે છે. ધોની પોતાની છેલ્લી મેચ 14 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમી શકે છે. જો ધોનીની ટીમ CSK પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ જાય તો IPLમાં ધોનીની વિદાય મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (CSK vs KKR) સામે થઈ શકે છે. તે વર્ષ 2008 એટલે કે IPLની શરૂઆતની સિઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.

એક ખેલાડી તરીકે MS Dhoniની આ છેલ્લી સિઝન હોઈ શકે : CSKના અધિકારી

વેબસાઈટ ઈન્સાઈડ સ્પોર્ટે ચેન્નાઈ સુપર કિંગ્સના એક અધિકારીને ટાંકીને કહ્યું કે, “હા, એક ખેલાડી તરીકે MS Dhoniની આ છેલ્લી સિઝન હશે. અત્યાર સુધીમાં અમને મળેલી આ છેલ્લી માહિતી છે. દેખીતી રીતે આ તેમનો અંગત નિર્ણય છે. તેમણે ટીમ મેનેજમેન્ટને સત્તાવાર રીતે કહ્યું નથી કે તે નિવૃત્તિ લેશે. પ્રશંસકો માટે સારા સમાચાર છે કે IPL ચેન્નાઈમાં તેઓ પાછા આવી રહ્યાં છે. પરંતુ ધોની તેની છેલ્લી સિઝન રમશે તે પ્રશંસકો માટે ઝટકો હશે. 41 વર્ષના ધોનીએ IPLની છેલ્લી સિઝનમાં જાડેજાને ટીમની કમાન સોંપી દીધી હતી પણ જાડેજા ટીમને સફળતા અપાવી શક્યો ન હતો. આ કારણે જાડેજા પાસેથી ફરીથી ધોનીને કેપ્ટનશીપ આપવામાં આવી હતી.