હિંડનબર્ગ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને મોટું નુકશાન, ટોપ-10 અમીરોની યાદીમાંથી બહાર

  • vatannivat
  • 31-01-2023 09:13 AM

- ગૌતમ અદાણીને ત્રણ દિવસમાં 34 બિલિયન ડોલરનું નુકશાન

- ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને 84.4 બિલિયન ડોલર થઈ ગઈ

અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં સતત ઘટાડો

હિંડનબર્ગ રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણીને ભારે નુકસાન થૈ રહ્યું છે. તેમની ગ્રુપ કંપનીઓને ત્રણ દિવસમાં 34 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. સાથોસાથ ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોપ ટેન અમીરોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે. બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં અદાણી ચોથા સ્થાનેથી 11માં સ્થાને આવી ગયા છે અને તેમની ગ્રૂપ કંપનીઓના શેર સતત ઘટતા જાય છે. માનવામાં આવી રહ્યું છે કે થોડા સમયમાં ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ પણ ગુમાવી શકે છે.

મુકેશ અંબાણીથી માત્ર એક સ્થાન ઉપર અદાણી

ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને $84.4 બિલિયન થઈ ગઈ છે. તે હવે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીથી માત્ર એક સ્થાન ઉપર છે. અંબાણીની કુલ સંપત્તિ $82.2 બિલિયન છે.

શું છે હિંડનબર્ગનો રિપોર્ટ

25 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ અંગે 32,000 શબ્દોનો અહેવાલ બહાર પાડ્યો હતો. રિપોર્ટના નિષ્કર્ષમાં 88 પ્રશ્નોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીની સંપત્તિ શેરના ભાવમાં વધારાને કારણે ત્રણ વર્ષમાં $1 બિલિયન વધીને $120 બિલિયન થઈ છે. આ સમયગાળા દરમિયાન જૂથની 7 કંપનીઓના શેરમાં સરેરાશ 819 ટકાનો વધારો થયો છે.