મહારાષ્ટ્ર-કર્ણાટકમાં સીમા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર મંત્રીઓની બેલાગવી મુલાકાત અંગે મોટો નિર્ણય

  • vatannivat
  • 06-12-2022 08:16 AM

- મહારાષ્ટ્રનાં મંત્રીઓની બેલાગવીની મુલાકાત મુલતવી રાખવામાં આવી

- અમે યાત્રા સ્થગિત કરી છે, રદ કરી નથી : મંત્રી શંભુરાજ દેસાઈ

મહારાષ્ટ્રના મંત્રીની મુલાકાતથી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે : કર્ણાટક સરકાર

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. જેના કારણે મહારાષ્ટ્રના બે મંત્રીઓની કર્ણાટકના બેલાગવીની મુલાકાત મોકૂફ રાખવી પડી હતી. મહારાષ્ટ્રનાં મંત્રીઓ ત્યાં જઈને ગ્રામજનો સાથે ચર્ચા કરવાના હતા. કર્ણાટક સરકારે કહ્યું કે તેમની મુલાકાતથી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. મહારાષ્ટ્રના મંત્રી ચંદ્રકાંત પાટીલ અને દેસાઈ આજે બેલાગવી જવાના હતા. મહારાષ્ટ્રના મંત્રી શંભુરાજ દેસાઈએ જણાવ્યું કે અમારા બે મંત્રીઓની બેલાગવીની મુલાકાત અંગે કર્ણાટક સરકારને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી હતી. દેસાઈએ વધુમાં કહ્યું કે અમે યાત્રા સ્થગિત કરી છે, રદ કરી નથી.

અમે અમારા પ્રવાસની આગામી તારીખ ટૂંક સમયમાં નક્કી કરીશું : મંત્રી શંભુરાજ દેસાઈ

મહારાષ્ટ્રનાં મંત્રી શંભુરાજ દેસાઈએ જણાવ્યું કે અમે અમારા પ્રવાસની આગામી તારીખ ટૂંક સમયમાં નક્કી કરીશું. અમે બેલાગવીમાં મરાઠી ભાષી લોકો સાથે વાત કરીશું. તેમની સાથે અમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તે 850 ગામોના મરાઠી ભાષી લોકોને જે પેકેજ આપવા માંગે છે તેની ચર્ચા કરીશું.

મહારાષ્ટ્રની સ્થાપનાથી આ સીમા વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ 

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બેલાગવી અને કારવારના કેટલાક ગામોને લઈને સરહદ વિવાદ ચાલી રહ્યો છે. કર્ણાટકમાં આવતા આ ગામોની વસ્તી મરાઠી ભાષી છે. આ ગામોને રાજ્યમાં સામેલ કરવાની મહારાષ્ટ્રમાં લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. 1960માં મહારાષ્ટ્રની રચના થઈ ત્યારથી આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.