મોરબી પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની સહાય અંગે મોટી જાહેરાત, જાણો કેટલી સહાય મળશે

  • vatannivat
  • 13-12-2022 08:15 AM

- પુલ દુર્ઘટના મામલે સરકાર-મોરબી નગરપાલિકાએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું

- મૃતકનાં પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે

ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એક લાખ રૂપિયાનું વળતર 

ગુજરાતના મોરબીમાં ભયાનક પુલ ધરાશાયી થવાના સંદર્ભમાં મોરબી નગરપાલિકા અને રાજ્ય સરકારે સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે તેના સોગંદનામામાં મૃતકો અને ઘાયલોના નજીકના સંબંધીઓને વળતર આપવા અંગે માહિતી આપી છે. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે પુલ તૂટી પડતાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વધારાનું વળતર આપવામાં આવશે. સરકારે તેમાં જણાવ્યું હતું કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને કુલ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સાથે જ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એક લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. 

અગાઉ હાઇકોર્ટે સરકાર અને નગરપાલિકાની ફટકાર લગાવી હતી 

નોંધનીય છે કે આ મામલે અગાઉ થયેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકા અને ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. મોરબી બ્રિજ દુર્ઘટના અંગે સુઓમોટો સંજ્ઞાન લેતા મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સુનાવણી દરમિયાન ઠપકો આપ્યો હતો કે પીડિત અને ગંભીર રીતે ઘાયલ લોકોને આપવામાં આવતું વળતર ઘણું ઓછું છે.