ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર ભુપેન્દ્ર પટેલ, જાણો પટેલે શું કહ્યું

  • vatannivat
  • 10-12-2022 10:16 AM

- ભાજપ ધારાસભ્ય દળે ઔપચારિક રીતે ભુપેન્દ્ર પટેલના નામને મંજૂરી આપી

- અમે ગુજરાતની જનતાનો વિશ્વાસ જીત્યો છે : ભુપેન્દ્ર પટેલ

પાર્ટીના નેતાની પસંદગી કરવા માટે એક બેઠક મળી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તમામ પક્ષોને ચારેય તરફ ચિત્ત કરી નાંખીને ફરી એકવાર રાજ્યમાં ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાતમાં બમ્પર જીત મેળવ્યા બાદ ભાજપના ધારાસભ્યોએ આજે પાર્ટીના નેતાની પસંદગી કરવા માટે એક બેઠક મળી હતી. આ બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપની ચૂંટણી સમિતિના નેતા બીએસ યેદિયુરપ્પા અને ગુજરાત એકમના અધ્યક્ષ સીઆર પટેલે હાજરી આપી હતી.

ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળશે

ગુજરાતમાં ભાજપનાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં કનુ દેસાઈએ વિધાનસભામાં પાર્ટીનાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલનાં નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. તે પ્રસ્તાવને પાર્ટીના તમામ ધારાસભ્યોએ જોરદાર સમર્થન આપ્યું હતું. ધારાસભ્યોએ તેમના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી હતી. આ સાથે ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળશે. બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

ભાજપ સરકાર ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂર્ણ કરશે : ભૂપેન્દ્ર પટેલ

ધારાસભ્ય દળની બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલે મીડિયા સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે ગુજરાતની જનતાનો વિશ્વાસ જીત્યો છે. અમે જનતાને આપેલા વચનો પર કામ શરૂ કરીશું. તેમણે માહિતી આપી હતી કે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદો તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ભાજપ સરકાર ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂર્ણ કરશે.

12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે ભુપેન્દ્ર પટેલ

નોંધનીય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે ગુરુવારે જ પુષ્ટિ કરી હતી કે ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બનશે. તેમણે જાહેરાત કરી હતી કે 12 ડિસેમ્બરે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.