બંગાળનાં રાજ્યપાલનો મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર, જાણો શું કહ્યું

  • vatannivat
  • 17-02-2023 07:06 AM

- સંવૈધાનિક જવાબદારીઓનું પાલન કરે સરકાર : રાજ્યપાલ

- નંદિની ચક્રવર્તી વિવાદ બાદ રાજ્યપાલે સરકારને લખ્યો પત્ર

સમગ્ર મામલાની તપાસ કરવા સૂચના

પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલની મુખ્ય સેક્રેટરી નંદીની ચક્રવર્તીના મામલે થયેલ વિવાદ પછી રાજ્યપાલ સીવી આનંદ દ્વારા મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખવામાં આવ્યો છે. રાજભવનનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ તરફથી સરકારને પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે સરકાર સંવૈધાનિક જવાબદારીઓનું પાલન કરે. સાથે તેમણે સમગ્ર મામલાની તપાસ કરવા માટે પણ કહ્યું હતું.

1994 બેચના આઈએએસ અધિકારી છે નંદિની ચક્રવર્તી 

નોંધનીય છે કે રાજ્યપાલ દ્વારા 12 ફેબ્રુઆરીનાં રોજ નંદિની ચક્રવર્તીને તેમના ફરજોથી મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ પણ ચક્રવર્તી કાર્યાલયમાં જ રહેતા વિવાદ ઉભો થયો હતો. નંદિની ચક્રવર્તી પશ્ચિમ બંગાળ કેડરના 1994 બેચના આઈએએસ અધિકારી છે. તેઓની 15 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પ્રવાસન વિભાગમાં બદલી કરવામાં આવી હતી.

નવી ટીમ બનાવી રહ્યા છે બોસ

કાર્યભાર સંભાળ્યા બાદ રાજ્યપાલ સીવી આનંદ બોસ તેમની ઓફિસની દેખરેખ માટે એક નવી ટીમ બનાવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડે પણ રાજભવનમાં કામગીરી માટે પોતાની એક ટિમ તૈયાર કરી હતી. 

ચક્રવર્તીને લા ગણેશનના પ્રધાન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે IAS નંદિની ચક્રવર્તી 18 ઓગષ્ટ, 2022 ના રોજ તત્કાલીન રાજ્યપાલ લા ગણેશનના પ્રધાન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગત વર્ષ 23 નવેમ્બરના રોજ ગણેશનની જગ્યાએ બોસના રાજ્યપાલ તરીકે શપથ લેવા પછી પણ તે પદ પર બની રહી હતી.