બજેટ અંગે બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

  • vatannivat
  • 02-02-2023 07:19 AM

- બજેટ લોકો વિરોધી છે અને માત્ર ભ્રામક : મમતા બેનર્જી

- કેન્દ્ર રાજ્યો પાસેથી જીએસટી તરીકે નાણાં વસૂલે છે, પરંતુ તેનો હિસ્સો આપતું નથી : બંગાળ મુખ્યમંત્રી

સામાન્ય લોકો, ગરીબો અને બેરોજગારોને આ બજેટથી નિરાશા જ સાંપડી : મમતા 

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને તા.1-2-23ના રોજ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રતિક્રિયા સામે આવી છે. મમતા બેનર્જીએ બજેટને જનવિરોધી અને માત્ર ભ્રામક ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રએ આ બજેટ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. ટેક્સમાં કોઈ રાહત મળી નથી. સામાન્ય લોકો, ગરીબો અને બેરોજગારોને આ બજેટથી નિરાશા જ સાંપડી છે. કેન્દ્ર રાજ્યો પાસેથી જીએસટી તરીકે નાણાં વસૂલે છે, પરંતુ તેઓનો હિસ્સો આપતું નથી. મેં આજ સુધી આવી સરકાર જોઈ નથી.

દેશના વિકાસમાં બજેટ અસરકારક સાબિત થશેઃ ચંદ્રશેખર ઘોષ

બંધન બેંકના સીઈઓ ચંદ્રશેખર ઘોષે બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ બજેટ દેશના વિકાસ માટે ઘણું અસરકારક સાબિત થશે. બજેટ દરેક વર્ગને સ્પર્શી ગયું છે. તેની અસર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જોવા મળશે. વડીલોને આનાથી ઘણી આશા હતી, જેના પર આપણા નાણામંત્રી ખરા ઉતર્યા છે. PAN કાર્ડને ઓળખનો આધાર બનાવવાથી ઘણો ફાયદો થશે. આ બજેટ ઉદ્યોગોને વિકાસ પુરું પાડનારું છે. રોકાણ વધવાથી બેરોજગારી ઘટશે. દેશ પ્રગતિ કરશે. 

બજેટ અંગે શત્રુઘ્ન સિંહાએ શું કહ્યું

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ બજેટ અંગે પોતાના મંતવ્યમાં બજેટને સામાન્ય લોકો વિરોધી ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આનાથી મધ્યમ વર્ગના લોકો નિરાશ થયા છે. આ બજેટ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવનારું છે. આ એક ચૂંટણી પ્રેરિત બજેટ છે, જેમાં લોકોને કશું મળવાનું નથી. આ બજેટમાં કોઈને કંઈ મળ્યું નથી. કોઈ માટે કોઈ નવી જોગવાઈ નથી. બસ, સરકારે જૂનો ઢોલ વગાડ્યો છે.