કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો ભાજપ પર ગંભીર આરોપ, જાણો શું આરોપ લગાવ્યો

  • vatannivat
  • 25-01-2023 10:42 AM

- ભાજપ 30,000 કરોડ રૂપિયા વહેંચીને વિધાનસભા ચૂંટણી જીતવા માટે મોટું ષડયંત્ર રચી રહી છે : કોંગ્રેસ 

- કોંગ્રેસે જેપી નડ્ડા, સીએમ બોમાઈ સામે ફરિયાદ નોંધાવી

મતદારોને રીઝવવા માટે લાંચ આપવાનો આરોપ

કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને કારણે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલુ છે. તેવામાં તાજેતરના મામલામાં કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને ધારાસભ્ય રમેશ જરકીહોલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે ભાજપના નેતાઓ પર વિધાનસભા ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપે ધારાસભ્યના નિવેદનને અંગત ગણાવ્યું

કોંગ્રેસ તરફથી પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર, વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ ફરિયાદ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા રમેશ જરકીહોલીએ તાજેતરમાં જ બેલાગવીમાં એક જાહેર સભા દરમિયાન કહ્યું હતું કે 'જો કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો 3,000 રૂપિયાની ભેટ અને રોકડ આપશે, તો હું મતદારોને 6,000 રૂપિયાની ભેટ આપીશ'. જોકે, ભાજપે રમેશ જાકીહોલીના નિવેદનથી પોતાને દૂર રાખી અને તેને તેમનું અંગત નિવેદન ગણાવ્યું છે. રમેશ જરકીહોલી ગોકાક વિધાનસભાના ધારાસભ્ય હતા પરંતુ અશ્લીલ વીડિયો કેસમાં તેમનું નામ સામે આવતાં 2021માં રાજીનામું આપવું પડ્યું હતું.

IT અને ED તપાસની માંગ

કોંગ્રેસે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આ એક મોટા ષડયંત્રનો ભાગ છે, જેનું આયોજન ભાજપ દ્વારા મોટાપાયે કરવામાં આવ્યું છે. આ ષડયંત્રને સીએમ બોમાઈ, જેપી નડ્ડા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતિલ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવતાં જણાવ્યું કે આ લોકશાહીને હાઇજેક કરવાનો પ્રયાસ છે અને IPCની કલમ 171B, 107, 120B, 506 હેઠળ ગુનો પણ છે. કર્ણાટકમાં 5 કરોડ મતદારો છે અને ભાજપ 30,000 કરોડ રૂપિયા વહેંચીને વિધાનસભા ચૂંટણી જીતવા માટે મોટું ષડયંત્ર રચી રહી છે. કોંગ્રેસે આ મામલે IT વિભાગ અને ED દ્વારા તપાસની પણ માંગ કરી છે.