હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત ઉપર ભાજપનો કટાક્ષ, જાણો શું કટાક્ષ કર્યો

  • vatannivat
  • 09-12-2022 11:52 AM

- કોંગ્રેસે બોધપાઠ લેવો જોઈએ, રાહુલને પ્રચારથી દૂર રાખો : ભાજપ

- રાહુલ ગાંધી વિશે નિવેદન બાદ ભાજપ નેતા કોંગ્રેસનાં નિશાને

ભાજપ નેતાએ ટ્વીટ કરી કટાક્ષ કર્યો

હિમાચલ પ્રદેશની જનતાએ વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર સરકાર બદલી નાંખી છે. ભાજપ અહીં સત્તામાંથી બહાર થઈ ગયું છે અને કોંગ્રેસ 40 બેઠકો સાથે સત્તામાં પાછી આવી હતી. આ જીતથી કોંગ્રેસીઓ ઉત્સાહમાં છે, તો ભાજપે જીત ઉપર કટાક્ષ કર્યો હતો. શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાએ ટ્વીટ કર્યું હતું કે કોંગ્રેસે હિમાચલ પ્રદેશની જીતમાંથી બોધપાઠ લેવો જોઈએ અને રાહુલ ગાંધીને પ્રચારથી દૂર રાખવા જોઈએ. આ ટ્વીટ બાદ માલવિયા કોંગ્રેસના નેતાઓના નિશાના પર આવી ગયા છે.

ભાજપના કટાક્ષ પર કોંગ્રેસનો વળતો પ્રહાર

ભાજપ નેતા માલવિયાના ટ્વિટ બાદ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસના નેતા દીપક શર્માએ માલવિયા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. દીપક શર્માએ પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસને ભાજપની સલાહની જરૂર નથી. તેમણે કહ્યું કે, ભાજપે પોતાની અંદર જોવું જોઈએ. વડાપ્રધાન મોદીએ હિમાચલની જનતાને જે વચનો આપ્યા હતા તેમાંથી એક પણ વાયદો પૂરો થયો નથી. જ્યારે અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે પીએમ મોદીએ ગુજરાતમાં જીત મેળવી, પરંતુ દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણીમાં તેઓ હારી ગયા.