ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વઢવાણ બેઠક ઉપર ભાજપે ઉમેદવાર બદલ્યા, જિલ્લા ભાજપ પ્રમુખને ટિકિટ

  • vatannivat
  • 14-11-2022 12:12 PM

- વઢવાણ બેઠક માટે ભાજપે નામ જાહેર કરેલ ઉમેદવાર જીજ્ઞાબેન પંડ્યાએ ઉમેદવારી પાછી ખેંચી

- ભાજપે નવા ઉમેદવાર તરીકે જગદીશ મકવાણાને મેદાને ઉતાર્યા

ભાજપે પ્રથમ યાદીમાં જીજ્ઞાબેનનાં નામની કરી હતી જાહેરાત 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની છે. પાર્ટીઓ દ્વારા પ્રથમ તબક્કામાં યોજાનાર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ અમુક જગ્યાએ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને ટિકિટ ન મળતા તો કોઈ જગ્યાએ સમાજો દ્વારા તેમના સમાજનાં ઉમેદવારને ટિકિટ નહીં મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં ભાજપે જાહેર કરેલ પ્રથમ યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક ઉપરથી જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપી હતી. તેઓ દ્વારા પ્રચારની પણ શરૂઆત કરી દેવામાં આવી હતી. પરંતુ અચાનક જિજ્ઞાબેને ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાનું નામ આ બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

આ કારણે ભાજપે ઉમેદવાર બદલવા પડ્યા 

વઢવાણમાં દલવાડી સમાજે જીજ્ઞાબેનનું નામ જાહેર થતા વિરોધ કર્યો હતો. દલવાડી સમાજે ઉમેદવાર બદલવા સાથે પોતાના સમાજનાં ઉમેદવારને ટિકિટ આપવા માટે માંગણી કરી હતી. જેને લઈને ભાજપ દ્વારા તા.13-11-22ના રોજ સાંજે વઢવાણ બેઠક ઉપરથી દલવાડી(સતવારા) સમાજનાં અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાનું વઢવાણ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું હતું.

જીજ્ઞાબેને શું કહ્યું 

વઢવાણ બેઠક ઉપર ઉમેદવારી પાછી ખેંચનાર જીજ્ઞાબેન પંડ્યાએ જણાવ્યું કે પાર્ટીએ જે પણ ર્નિણય કર્યો તેમાં હું સહમત છું કેમ કે મારા કરતા પાર્ટી વિશેષ છે. 'પાર્ટી જ મારો પરિવાર છે' પાર્ટીના હિત માટે ઉમેદવારી પાછી ખેંચી છે. જીજ્ઞાબેને આજીવન પાર્ટીની સેવા કરવાનું વધુમાં જણાવ્યું હતું.