મહારાષ્ટ્રનાં રાજ્યપાલ અને સુધાંશુ ત્રિવેદી સામે પગલાં લેવા ભાજપ સાંસદની માંગ

  • vatannivat
  • 14-12-2022 11:02 AM

- નૂપુર શર્માની જેમ રાજ્યપાલ કોશ્યરી અને સુધાંશુ ત્રિવેદી સામે પગલાં લેવા જોઈએ : ઉદયનરાજે ભોંસલે

- રાજ્યપાલે છત્રપતિ શિવાજી મહારાજને ભૂતકાળના રોલ મોડલ તરીકે વર્ણવીને વિવાદ સર્જ્યો હતો

ભાજપ સાંસદે MVA ની વિરોધ કૂચમાં ભાગ લીધો 

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ છત્રપતિ શિવાજી અંગે કરેલ નિવેદનનો વિવાદ વધી રહ્યો છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય ઉદયનરાજે ભોસલેએ મંગળવારે માંગણી કરી હતી કે પાર્ટી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી અને બીજેપી નેતા સુધાંશુ ત્રિવેદી વિરુદ્ધ નૂપુર શર્માના કેસમાં જે કાર્યવાહી કરી તે સમાન જ કાર્યવાહી કરે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ભોસલેએ પુણે શહેરમાં વિરોધ પક્ષના સાથી પક્ષો (MVA) દ્વારા રાજ્યપાલ અને અમુક ભાજપનાં નેતા દ્વારા છત્રપતિ શિવાજી અંગે કરવામાં આવેલ વિવાદિત નિવેદનના વિરોધમાં આયોજિત વિરોધ કૂચમાં ભાગ લીધો હતો.

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનું વિવાદિત નિવેદન

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીના તે નિવેદન પર પણ મહારાષ્ટ્રે આકરી પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ શિવાજી મહારાજે મુઘલ શાસક ઔરંગઝેબની માફી માંગી હતી તેવું કહ્યું હતું.

રાજ્યપાલનું વિવાદિત નિવેદન 

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને NCP વડા શરદ પવારને ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં રાજ્યપાલ કોશ્યરી દ્વારા ડી.લિટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના આદર્શ લોકોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના જમાનાના આદર્શ હતા. હવે તમે બી.આર આંબેડકરથી લઈને નીતિન ગડકરી સુધી આપણે નવા યુગના આદર્શો બનાવી શકીએ છીએ. 

ભાજપ સાંસદની માંગ

ભાજપ સાંસદ ઉદયનરાજે ભોસલેએ પુણેમાં પત્રકારોને જણાવ્યું હતું કે નુપુર શર્મા સામે જે પ્રકારની શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. તે પ્રકારની હવે રાજ્યપાલ કોશ્યરી અને સુધાંશુ ત્રિવેદી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. મહારાષ્ટ્રના મોટાભાગના લોકોની આ લાગણી છે.