છત્રપતિ શિવાજી વિશે રાજ્યપાલની ટિપ્પણી મુદ્દે ભાજપ સાંસદ વડાપ્રધાનને મળ્યા, જાણો શું કહ્યું

  • vatannivat
  • 10-12-2022 08:29 AM

- પીએમને મામલાની ગંભીરતાનો અહેસાસ : ઉદયનરાજે ભોસલે

- મહારાષ્ટ્રના લોકો છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પર ગુસ્સે છે, કારણ કે તેઓ બધા માટે આદર્શ છે : શિવાજી મહારાજના વંશજ 

ભાજપ સાંસદ અને શિવાજી મહારાજના વંશજ છત્રપતિ ઉદયનરાજે ભોસલે વડાપ્રધાનને મળ્યા

મહારષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ છત્તરપતિ શિવાજી મહારાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને વિપક્ષ સતત સરકાર ઉપર અને રાજ્યપાલ ઉપર પ્રહારો કરી રહ્યો છે. ત્યારે હવે આ મામલે ભાજપના સાંસદ અને શિવાજી મહારાજના વંશજ છત્રપતિ ઉદયનરાજે ભોસલે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મુલાકાત દરમ્યાન તેઓએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મરાઠા યોદ્ધા પરની વિવાદાસ્પદ ટિપ્પણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

23 નવેમ્બરે અમે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખ્યા હતા : ભાજપ સાંસદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા ઉદયનરાજેએ જણાવ્યું કે 23 નવેમ્બરે અમે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખ્યા હતા અને આજે પણ સત્તાવાર પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ અંગેનો પત્ર રાષ્ટ્રપતિ સચિવાલયથી ગૃહમંત્રી કાર્યાલયને મોકલવામાં આવ્યો છે. ભાજપ સાંસદે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રના લોકો છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પર ગુસ્સે છે, કારણ કે તેઓ બધા માટે આદર્શ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે.

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ પર સાંસદે શું કહ્યું

કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદ પર ભાજપ સાંસદ ઉદયનરાજેએ કહ્યું કે જ્યારે મહાજન સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાષાના આધારે રાજ્યોનું વિભાજન કરવામાં આવે, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે કર્ણાટક અને મહારાષ્ટ્રના ટોચના નેતૃત્વ સાથે બેઠક કરવી જોઈએ.