બાગેશ્વર ધામમાં પહોંચ્યા ભાજપ સાંસદ મનોજ તિવારી, તેમના ભોજપુરી ગીતો ઉપર ઝૂમ્યા શ્રદ્ધાળુઓ

  • vatannivat
  • 16-02-2023 12:39 PM

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામ આવેલું છે. હાલ બાગેશ્વર ધામમાં ધાર્મિક મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે બીજેપી સાંસદ મનોજ તિવારી પણ ગુરુવારે બાગેશ્વર ધામ પહોંચ્યા અને પં.ધીરેન્દ્ર શાસ્ત્રીને મળ્યા. આ દરમિયાન તેમણે બાગેશ્વર ધામના દરબારમા ભોજપુરી ગીતો ગાયા. તેમની પહેલા 13 ફેબ્રુઆરીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ કમલનાથ પણ બાગેશ્વર ધામના દર્શને પહોંચ્યા હતા.

મહાકુંભમાં પહોંચેલા મનોજ તિવારીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ બાગેશ્વર ધામના દરબારમા સ્ટેજ પર ગીતો ગાતા જોવા મળ્યા, જ્યારે બીજી તરફ ભક્તો ભોજપુરી ગીતોની ધૂન પર નાચતા જોવા મળ્યા છે. મનોજ તિવારી સાથે ભજન ગાયક અનૂપ જલોટા પણ બાગેશ્વર ધામ પહોંચ્યા છે. અનુપ જલોટાએ પણ તેમના ભજનથી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા.ત્યારબાદ બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને મળ્યા બાદ તેમના આશીર્વાદ લીધા હતા.


બાગેશ્વર ધામના કથાકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી ઘણીવાર ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાની વાત કરતા હોય છે. કથાકારને મળવા આવેલા બીજેપી સાંસદે પણ તેમની વાતને સમર્થન આપ્યું અને કહ્યું કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સત્ય સનાતનને આગળ લઈ જવાનું ચાલુ રાખવું જોઈએ, હિંદુ રાષ્ટ્ર પર તેમના વિચારો ખૂબ સારા છે.


વિશ્વના કલ્યાણ અને હિન્દુ રાષ્ટ્રની ઈચ્છા માટે બાગેશ્વર ધામમાં નવ કુંડિયા અન્નપૂર્ણા મહાયજ્ઞ કરવામાં આવ્યો છે. બાગેશ્વર ધામની ખ્યાતિ દિવસેને દિવસે વધી રહી છે. બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રસિદ્ધિ મેળવનારા પં.ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કહેવાય છે,કે તેઓ તેમને મળ્યા વિના કોઈની પણ સ્થિતિ કહી શકે છે અને તેમની સમસ્યાઓ પણ એક કાપલી પર લખે છે. બાગેશ્વર ધામમાં દર મંગળવારે દરબારનું આયોજન કરાય છે, જેમાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અહીં સ્થિત હનુમાનજીના મંદિરમાં ભક્તો પ્રાર્થના કરે છે.