ગુજરાતમાં આસામનાં મુખ્યમંત્રીનાં રાહુલ ગાંધી ઉપર પ્રહારો, જાણો શું કહ્યું

  • vatannivat
  • 23-11-2022 06:16 AM

- આ દિવસોમાં રાહુલ ગાંધી 'સદ્દામ હુસૈન' જેવા દેખાવા લાગ્યા છે : હિમંતા બિસ્વા સરમા

- બૉલીવુડ સ્ટાર્સને ભારત જોડો યાત્રામાં બોલાવવા રૂપિયા ચુકવાયાનો આક્ષેપ

 કુબેરનગરમાં આસામનાં મુખ્યમંત્રીએ સભા સંબોધી

ગુજરાતમાં ચૂંટણી આડે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે ચૂંટણીનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. પાર્ટીઓએ પોતાના દિગ્ગજોને ચૂંટણી મેદાનમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. જેમાં મંગળવારે આસામના મુખ્યમંત્રી અને બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમા ચૂંટણી પ્રચાર માટે કુબેરનગર આવ્યા હતા અને જ્યાં તેઓએ એક જનસભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

આસામનાં મુખ્યમંત્રીનો રાહુલ ગાંધી પર કટાક્ષ

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા આસામનાં મુખ્યમંત્રી હિમંતા સરમાએ કહ્યું હતું કે ગાંધી પરિવારની છબી મહાત્મા ગાંધી કે સરદાર પટેલ જેવી હોવી જોઈએ, ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન જેવી નહીં. હિમંતાએ વધુમાં જણાવ્યું કે, હમણાં મેં જોયું છે કે રાહુલ ગાંધીનો ચહેરો પણ બદલાઈ ગયો છે. આ દિવસોમાં તેઓ ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન જેવા દેખાવા લાગ્યા છે. ચહેરો બદલવો એ ખરાબ વાત નથી. જો તમારે તમારો ચહેરો બદલવો હોય તો વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ કે ગાંધીજીની જેમ કરો, પણ તમારો ચહેરો સદ્દામ હુસૈન જેવો કેમ થઈ રહ્યો છે?

ભારત જોડો યાત્રામાં બોલિવૂડ સ્ટાર્સ સામેલ થવા ઉપર પણ આક્ષેપો

આસામના મુખ્યમંત્રી સરમાએ દાવો કરતા કહ્યું હતું કે કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હાજરી આપવા માટે બોલિવૂડ સ્ટાર્સને પૈસા ચૂકવ્યા હતા. નોંધનીય છે કે અભિનેત્રી પૂજા ભટ્ટ અને અમોલ પાલેકર, રશ્મિ દેસાઈ જેવા કલાકારોએ આ યાત્રામાં ભાગ લીધો હતો.