અરવિંદ કેજરીવાલે બજેટમાં અફઘાનિસ્તાનને આર્થિક મદદ આપવા પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું

  • vatannivat
  • 05-02-2023 07:10 AM

- દિલ્હીના ફંડમાં કાપ મૂકીને તાલિબાનને ફંડ આપવું યોગ્ય છે? : કેજરીવાલ

- કેન્દ્ર સરકારે બજેટમાં અફઘાનિસ્તાનના વિકાસ માટે ૨૦૦ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે

કેજરીવાલે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તેના વિકાસ માટે કેન્દ્રીય બજેટમાં નાણાકીય સહાય આપવા પર સરકારને પ્રશ્ન કર્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, શું આપણા દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને દિલ્હીના ફંડમાં કાપ મૂકીને તાલિબાનને ફંડ આપવું યોગ્ય છે? લોકો તેનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.

તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતે બીજી વખત આર્થિક મદદ કરી

નોંધનીય છે કે આ કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન માટે ઇં૨૫ મિલિયન એટલે કે ૨૦૦ કરોડ રૂપિયાના વિકાસ સહાય પેકેજની દરખાસ્તની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અફઘાનિસ્તાનના વિકાસ માટે ૨૦૦ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતે બીજી વખત આર્થિક મદદ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર ગત બજેટમાં પણ મદદની જાહેરાત કરવામાં આવી હતી.

તાલિબાને ભારતની આર્થિક મદદની પ્રશંસા કરી

તાલિબાનની વાટાઘાટ ટીમના સભ્ય સુહેલ શાહીને કહ્યું કે, અમે ભારતની આર્થિક મદદની પ્રશંસા કરીએ છીએ. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં અને વિશ્વાસ વધારવામાં મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ માટે ફંડિંગ કરી રહ્યું છે. જો ભારત આવું જ ચાલુ રાખશે તો બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે.

કેજરીવાલે શું કહ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બજેટમાં દિલ્હીની જનતા સાથે ફરી એકવાર સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે લોકોએ ૧.૭૫ લાખ કરોડથી વધુ આવકવેરો ભર્યો હતો. તેમાંથી માત્ર ૩૨૫ કરોડ રૂપિયા દિલ્હીના વિકાસ માટે આપવામાં આવ્યા હતા.