પૂર્વ જજની રાજ્યપાલ તરીકે નિમણુંક અંગે અનુરાગ ઠાકુરનું નિવેદન, કરી આ મોટી વાત

  • vatannivat
  • 14-02-2023 07:03 AM

- કોઈ સક્ષમ વ્યક્તિને કોઈપણ પદ આપી શકાય : અનુરાગ ઠાકુર

- કોંગ્રેસે નઝીરની નિમણૂકને લઈને સરકાર પર કર્યા હતા આકરા પ્રહારો

અયોધ્યા કેસનાં જજની સરકાર રાજ્યપાલ તરીકે કરી છે નિમણુંક

સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જજની રાજ્યપાલ તરીકે નિવૃત કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા સતત સરકારના આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે. તેવામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચનો ભાગ રહેલા લઘુમતી સમુદાયના એકમાત્ર ન્યાયાધીશ જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની નિમણૂકનો બચાવ કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી ઠાકુરે નઝીરની નિમણૂક અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે કોઈપણ પદ કોઈ સક્ષમ વ્યક્તિને આપી શકાય છે. તેની ક્ષમતા પર પ્રશ્ન ન થવો જોઈએ.

કોંગ્રેસે આ પગલાને ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે મોટો ખતરો ગણાવ્યો

કોંગ્રેસે નઝીરની નિમણૂકને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે આવી નિમણૂંકો સામે ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીની ટિપ્પણીને ટાંકીને આ પગલાને ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના ટ્વિટર પર 2012ના એક વીડિયોને ટેગ કરીને કહ્યું હતું કે નિવૃત્તિ પહેલાના નિર્ણયો નિવૃત્તિ પછીની નોકરીઓથી પ્રભાવિત થાય છે. રમેશે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, છેલ્લા 3-4 વર્ષમાં ચોક્કસપણે આના પૂરતા પુરાવા છે.

બંધારણમાં આમ કરવા પર પ્રતિબંધ નથી : ભાજપ

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની રાજ્યપાલ તરીકે નિમણૂક પર કોંગ્રેસની ટીકાને ભાજપ દ્વારા ફગાવવામાં આવી હતી. ભાજપે કહ્યું હતું કે આવી નિમણૂકોના દાખલા પહેલાથી જ છે અને બંધારણમાં આમ કરવા પર પ્રતિબંધ નથી. ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીએ કહ્યું કે દરેક મુદ્દા પર રાજનીતિ કરવાની કોંગ્રેસની આદત બની ગઈ છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજ્યપાલોની નિમણૂકને લઈને વિરોધ પક્ષ આવું કરી રહ્યો છે. 

કોણ છે જસ્ટિસ નઝીર

જસ્ટિસ એસ અબ્દુલ નઝીર ગયા મહિને 4 જાન્યુઆરીએ નિવૃત્ત થયા હતા. ત્યારથી તેમના રાજ્યપાલ બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. નઝીર, જે 4 જાન્યુઆરીએ નિવૃત્ત થયા હતા, તે બેન્ચનો ભાગ હતો જેણે રાજકીય રીતે સંવેદનશીલ અયોધ્યા જમીન વિવાદ, ટ્રિપલ તલાક અને ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા હતા.