નિરવ મોદી વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી, હીરા-ઝવેરાતની થશે હરાજી

  • vatannivat
  • 22-02-2023 07:57 AM

- હીરા, સોના અને પ્લેટિનમ જ્વેલરીની 25 માર્ચે ઈ-ઓક્શન દ્વારા હરાજી કરવામાં આવશે

- લિક્વિડેટર શાંતનુ ટી.રે દ્વારા નોટીસ જાહેર કરવામાં આવી

નિરવ મોદીની ‘ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ’ જ્વેલરીની હરાજી થશે

ભાગેડુ નિરવ મોદી વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની માલિકીની ‘ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ’ના હીરા, સોના અને પ્લેટિનમ જ્વેલરીની હરાજી થશે. મળતી માહિતી અનુસાર 25 માર્ચે ઈ-ઓક્શન દ્વારા હરાજી કરવામાં આવશે. લિક્વિડેટર શાંતનુ ટી.રે દ્વારા નોટીસ જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2020માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચ દ્વારા ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના લિક્વિડેટર તરીકે શાંતનુ ટી.રેને નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

અનામત કિંમત હરાજીના દિવસે જ જાહેર થશે

હાલ ‘ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ' કંપનીનીનું સંચાલન શાંતનુ રે દ્વારા કરવામાં આવી રહ્યું છે. લિક્વિડેટર શાંતનુ રેએ આભૂષણો અને અન્ય વસ્તુઓની કિંમત નક્કી કરવા માટે જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટને જવાબદારી સોંપી છે. નોટિસ પ્રમાણે, સોના, પ્લેટિનમ અને ડાયમંડ જ્વેલરીનું વેચાણ 25 માર્ચે ઈ-ઓક્શન દ્વારા કરવામાં આવશે. હરાજી કરવા માટેની વસ્તુઓની અનામત કિંમત હરાજીની તારીખે જ જાહેર કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે, નિરવ મોદી 2018ની શરૂઆતથી દેશમાંથી ફરાર થઇ ગયા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેની કોર્પોરેટ ઓફિસો અને ફેક્ટરીઝ સહીત નોંધપાત્ર સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. નિરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ દેશની સૌથી મોટી બેંક છેતરપિંડીમાંની એકને અંજામ આપ્યો હતો. સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંકના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને નકલી લેટર્સ ઓફ અંડરટેકિંગ (LOUS) દ્વારા રૂ. 14,000 કરોડની ઉચાપત કરી હતી.