લખતરના ગઢનો હેરિટેજમાં સમાવેશ કરવાની માંગ સાથે લખતર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

  • vatannivat
  • 21-07-2022 04:28 PM

- ગુજરાત કરણી સેનાનાં પ્રમુખની આગેવાનીમાં મહારેલીનું આયોજન

- ૧૩૦ વર્ષ પુરાણો છે લખતરનો ગઢ

ગઢની યોગ્ય મરામત કરાવી હેરીટેજમાં સમાવવા માંગ

લખતર શહેરનો આશરે ૧૩૦ વર્ષ પુરાણો ગઢ લખતરની અસ્મિતા સમો ઉભેલો છે. જે આજે હવે ધીમે ધીમે લખતરનો આ અમૂલ્ય વારસો વિનાશ તરફ જઈ રહ્યો હોવાનું જોવા મળે છે. ત્યારે આ ગઢની યોગ્ય જાળવણી કરી તેને હેરિટેજમાં સમાવવામાં આવે તેવી માંગ સાથે લખતરમાં ગુજરાત રાજ્ય કરણીસેનાનાં પ્રમુખ જે.પી.જાડેજા, સૌરાષ્ટ્ર કરણીસેના પ્રમુખ કૃષ્ણસિંહજી જાડેજા અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ ડો. રૂદ્રદતસિંહ ઝાલાની આગેવાનીમાં લખતર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રેલીમાં વેપારીઓ અને ગ્રામજનો પણ જોડાયા

આજે તા.૨૧-૭-૨૨ને ગુરુવારના રોજ લખતર શહેરનાં ઉગમણા દરવાજેથી મહારેલી નીકળી હતી. આ રેલી શહેરની મેઈન બજારમાંથી પસાર થતા વેપારીઓએ રેલીનું સ્વાગત કર્યું હતું. તો ગામ ફરતે આવેલ કિલ્લા માટે કરણી સેનાને સાથ આપી વેપારીઓ અને લખતરના ગ્રામજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. આ મહારેલીમાં મોટી સંખ્યામાં બાઈક અને ગાડીઓ લઇને લોકો હાજર રહ્યા હતા. લખતર મામલતદાર કચેરીએ પહોંચી લખતર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ક્ષત્રીય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે લખતર શહેર ફરતે ૧૩૦ વર્ષ પુરાણો અડીખમ ગઢ આવેલો છે. જે ધીમે ધીમે ખંડિત થઈ રહ્યો છે. ત્યારે તેની યોગ્ય મરામત કરી હેરિટેજમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ વેળાએ સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના પ્રમુખ હરપાલસિંહ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ઉપપ્રમુખ દીગુભા ઝાલા, લખતર તાલુકા કરણીસેના પ્રમુખ સહદેવસિંહ વાઘેલા તથા લખતર APMC ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

૧૯૭૦ની જળ હોનારતના સમય ગઢે લખતરને વિનાશથી બચાવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે જૂના લખતર રાજ્ય વખતે પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી બાપુરાજ દ્વારા પોતાની પ્રજાની સુરક્ષા માટે અંગ્રેજ શાસન સમયે લખતર ગામ ફરતે ગઢ બનાવ્યો હતો. જેના કારણે તેઓને અંગ્રેજોની નજરકેદ પણ ભોગવવી પડેલ તેવું સાંભળવા મળે છે. તો વિનાશ વહોરનારી જળહોનારત (૧૯૭૦ના પુર) સમયે આ કિલ્લાને કારણે લખતર ગામમાં પાણી કંઈ જ નુકશાન પહોંચાડી શક્યું ન હતું.