અદાણી મામલે વિપક્ષના સરકાર ઉપર પ્રહારો વચ્ચે અમિત શાહનું મોટું નિવેદન

  • vatannivat
  • 14-02-2023 06:19 AM

- પુરાવા હોય તો કોર્ટમાં જાવ : અદાણી કેસ પર શાહ 

- વિપક્ષ શોર કરવાનું જ જાણે છે : અમિત શાહ

સરકાર કે ભાજપ બંને પાસે છુપાવવા જેવું કંઈ નથી : ગૃહમંત્રી

અદાણી વિરુદ્ધ હિંડનબર્ગનાં રિપોર્ટ બાદ વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર અદાણી જૂથની તરફેણ કરવાનો આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે આ મામલે વિપક્ષના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે છુપાવવા અથવા ડરવા જેવું કંઈ નથી. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતા શાહે જણાવ્યું હતું કે, સરકાર કે ભાજપ બંને પાસે છુપાવવા જેવું કંઈ નથી અને ડરવાની પણ જરૂર નથી. અદાણી મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વિપક્ષ માત્ર શોર કરવાનું જ જાણે છે. જો તેની પાસે ગેરરીતિના પુરાવા હોય તો તેણે કોર્ટમાં જવું જોઈએ.

સત્ય પર હજાર કાવતરા કરો તો પણ કંઈ થતું નથી : અમિત શાહ

આ દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ તમારી પાર્ટી ભાજપ પર અદાણી સાથે મિત્રતા હોવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે અદાણીને તમામ કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. જ્યારે ભાજપનો બચાવ નબળો છે. તેના સંદર્ભમાં ગૃહમંત્રીએ જવાબ આપતા કહ્યું હતું કે ભાજપ પાસે આ મામલે છુપાવવા જેવું અને ડરવાનું કંઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતે આ સાથે સંબંધિત એક મામલાની નોંધ લીધી છે. આવી સ્થિતિમાં દેશની કેબિનેટના સભ્ય હોવાના કારણે મારા માટે આ સમયે કંઈપણ કહેવું યોગ્ય નથી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમે સત્ય પર હજાર કાવતરા કરો તો પણ કંઈ થતું નથી. 2002 થી મોદીજી વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે પરંતુ દરેક વખતે તેઓ વધુ મજબૂત, સત્યવાદી અને લોકોમાં વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો

ઉલ્લેખજનીય છે કે હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપના સંબંધમાં સ્ટોક મેનિપ્યુલેશન અને નાણાકીય છેતરપિંડીનો દાવો કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ અહેવાલ બાદ અદાણી જૂથના વડા ગૌતમ અદાણી, જે ગયા મહિને 24 જાન્યુઆરી સુધી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા, તેમની સંપત્તિમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તેઓ વિશ્વના અમીરોની ટોચની 10 યાદીમાંથી બહાર થઈ ગયા છે.