અમિત શાહે લાલ કિલ્લા પર લાઇટ એન્ડ સાઉન્ડ શો 'જય હિંદ'નું ઉદ્ઘાટન કરી દેશવાસીઓને કરી અપીલ, જાણો શું અપીલ કરી

  • vatannivat
  • 11-01-2023 07:12 AM

- આઝાદીના 75 વર્ષમાં દેશે ઘણી સિદ્ધિઓ મેળવી ટોચના દેશોમાં સફળતાપૂર્વક સ્થાન મેળવ્યું : કેન્દ્રીય ગૃહમંત્રી

- આગામી 25 વર્ષ ભારતને વિશ્વમાં ટોચ પર જોવાનો સમય છે

સાઉન્ડ એન્ડ લાઈટ શો ની ટીમને શાહે અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લાલ કિલ્લા પર લાઇટ એન્ડ સાઉન્ડ શો 'જય હિંદ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમ્યાન તેમણે કહ્યું કે સાઉન્ડ એન્ડ લાઈટ શોમાં ખૂબ જ ઓછા સમયમાં ભારતના હજારો વર્ષોના ઈતિહાસમાંથી આજ સુધીની ઘણી બધી અનુભૂતિઓ, ઘણી બધી શીખો, ઘણી ગર્વ લેવા જેવી બાબતો અહીં સુમેળપૂર્વક સમાવી લેવામાં આવી છે. આ માટે હું આખી ટીમને અભિનંદન આપું છું

શાહની દેશવાસીઓને અપીલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ તકે વધુમાં જણાવ્યું હતું કે તમામ ભારતીયોએ 100મા સ્વતંત્રતા દિવસ સુધીમાં ભારતને વિશ્વમાં ટોચનો દેશ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અમિત શાહે કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષમાં દેશે ઘણી સિદ્ધિઓ મેળવી છે અને ટોચના દેશોમાં સફળતાપૂર્વક સ્થાન મેળવ્યું છે. આગામી 25 વર્ષ ભારતના 130 કરોડ લોકોના સામૂહિક પ્રયાસોનો અને ભારતને વિશ્વમાં ટોચ પર જોવાનો સમય છે. વડાપ્રધાને આ સમયગાળાને 'અમૃતકાળ' કહ્યો છે.

દેશ પ્રાચીન સમયથી શિક્ષણનું કેન્દ્ર રહ્યો છે : અમિત શાહ 

લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ભારતના ગૌરવશાળી ઈતિહાસને પ્રદર્શિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરતા ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, દેશ પ્રાચીન સમયથી શિક્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ દરમ્યાન અમિત શાહ દ્વારા તક્ષશિલા અને નાલંદા જેવા શૈક્ષણિક કેન્દ્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી શાહે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષના શાસનમાં દેશનો સર્વાંગી વિકાસ થયો છે અને પ્રગતિની આ યાત્રા ચાલુ રહેશે.