સ્વીડનમાં ફસાયેલા મુસાફરોને ભારત લાવવા અંગે એર ઇન્ડિયાએ કરી મોટી જાહેરાત

  • vatannivat
  • 23-02-2023 11:50 AM

- એર ઇન્ડિયાએ સ્ટોકહોમમાં ફસાયેલા મુસાફરોને પરત લાવવા ફેરી ફ્લાઇટ મોકલવાની જાહેરાત કરી  

- વિમાનના એક એન્જિનમાં ઓઈલ લીક થતા વિમાનને સ્ટોકહોમમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું

ફેરી ફ્લાઇટ બોઈંગ 777 એરક્રાફ્ટથી કરવામાં આવશે ઓપરેટ 

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ફસાયેલા મુસાફરોને પરત લાવવા માટે એર ઈન્ડિયાએ એક મોટું પગલું ભર્યું છે. એર ઈન્ડિયાએ આ મુસાફરોને પાછા લાવવા માટે ફેરી ફ્લાઈટ્સ મોકલવાની જાહેરાત કરી હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે ફેરી ફ્લાઈટ બોઈંગ 777 એરક્રાફ્ટથી ઓપરેટ કરવામાં આવશે. જે મુંબઈથી બપોરે 2 વાગ્યે ઉપડશે અને 11 વાગ્યે (IST) સ્ટોકહોમ પહોંચશે તેવી અપેક્ષા છે.

બુધવારે કરવામાં આવ્યું હતું ઈમરજન્સી લેન્ડિંગ 

અમેરિકાના નેવાર્કથી દિલ્હી જતી બોઇંગ 777-300 ER ફ્લાઇટને બુધવારે સવારે તેના એક એન્જિનમાં ઓઇલ લીક થવાને કારણે સ્ટોકહોમ તરફ વાળવામાં આવેલ હતી અને અરલાન્ડા એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નેવાર્ક-દિલ્હી ફ્લાઇટમાં 292 મુસાફરો સવાર હતા, જેમાં 8 શિશુઓ, 15 કેબિન ક્રૂ સભ્યો અને 4 પાઇલોટનો સમાવેશ થાય છે. આ ફ્લાઈટ સુરક્ષિત લેન્ડ થઈ ગઈ હતી.

એર ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડ્યું 

બુધવારે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એરલાઇન કેટલાક મુસાફરો માટે ઇમિગ્રેશન ક્લિયરન્સ મંજૂર કરવા માટે સ્વીડિશ સત્તાવાળાઓ સાથે વાતચીત કરી રહી છે, જેઓ હજી પણ એરપોર્ટ પર હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ અંગે માહિતી આપી હતી. બુધવારે વિમાનના એક એન્જિનમાં ઓઈલ લીક થયું હતું તેથી એન્જિનને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ વિમાનને સ્ટોકહોમમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, તેવી  અધિકારીએ જાણ કરી હતી.