શિયાળુ સત્ર પહેલાં મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલી વધશે, વિપક્ષની મોટી જાહેરાત

  • vatannivat
  • 06-12-2022 09:14 AM

- MVA શિંદે સરકારનો વિરોધ કરવા શિયાળુ સત્ર પહેલા માર્ચ કાઢશે 

- સરકારની નીતિઓ વિરુદ્ધ 17 ડિસેમ્બરે મુંબઈમાં સર્વપક્ષીય વિરોધ માર્ચની જાહેરાત

MVA નાગપુરમાં વિરોધ માર્ચ કાઢશે

મહારાષ્ટ્રનાં રાજકારણમાં છેલ્લા થોડા સમયથી વિપક્ષ સતત સરકાર ઉપર પ્રહારો અને વિરોધ કરી હાવી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેવામાં વિપક્ષની વધુ એક જાહેરાતથી સરકારની મુશ્કેલી વધવાની સંભાવના રહેલી છે. વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) દ્વારા સોમવારે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકારની નીતિઓ વિરુદ્ધ 17 ડિસેમ્બરે મુંબઈમાં સર્વપક્ષીય વિરોધ માર્ચની જાહેરાત કરવામાં આવી હતી. વિપક્ષની જાહેરાત મુજબ નાગપુરમાં રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા આ પદયાત્રા કાઢવામાં આવશે.

આ રાજનીતિ માટે કૂચ નથી, પરંતુ મહારાષ્ટ્રના ગૌરવની લડાઈ : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે આ રાજનીતિ માટે કૂચ નથી, પરંતુ મહારાષ્ટ્રના ગૌરવની લડાઈ છે. મહા વિકાસ આઘાડી તમામ પક્ષો, સંગઠનો અને વ્યક્તિઓને અપીલ કરે છે કે તેઓ કાયર મહારાષ્ટ્ર સરકાર સામે અમારી સાથે જોડાય, જે કર્ણાટકના મુખ્યમંત્રી દ્વારા મહારાષ્ટ્ર વિરુદ્ધ અપમાનજનક નિવેદનો સામે પણ ટકી શકતી નથી.

ભાયખલાના જીજામાતા ઉદ્યાનથી સવારે 11 વાગ્યે શરૂ થશે વિરોધ કૂચ

ઉદ્ધવ ઠાકરેએ NCP નેતા અજિત પવારના નિવાસસ્થાને MVA નેતાઓની બેઠક બાદ પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે એમવીએની વિરોધ કૂચ ભાયખલાના જીજામાતા ઉદ્યાનથી સવારે 11 વાગ્યે શરૂ થશે અને સીએસએમટીના આઝાદ મેદાન સુધી જશે. ઠાકરેએ કહ્યું કે આ એક વિશાળ વિરોધ કૂચ હશે.