મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી પહેલા રાજકારણમાં હલચલ, ઉદ્ધવ ઠાકરેએ વધુ એક પાર્ટી સાથે ગઠબંધન કર્યું

  • vatannivat
  • 24-01-2023 06:15 AM

- ઉદ્ધવ ઠાકરેએ BMC ચૂંટણી પહેલા વંચિત બહુજન અઘાડી (VBA) સાથે ગઠબંધન કર્યું 

- મોહન ભાગવત મસ્જિદ ગયા તો શું તેમણે હિન્દુત્વ છોડી દીધું? : ઉદ્ધવ ઠાકરે

બંને પક્ષોએ પત્રકાર પરિષદ યોજી કરી જાહેરાત

મહારાષ્ટ્રના રાજકારણમાં રોજબરોજ નવી નવી હલચલો જોવા મળે છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી પહેલા અન્ય એક પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ઠાકરેની શિવસેનાએ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી (VBA) સાથે હાથ મિલાવ્યો છે. BMCની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ પગલાને સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવની સેનાએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે બંને પક્ષોએ પત્રકાર પરિષદ યોજીને ઘટનાક્રમની જાહેરાત કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું

પ્રેસને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ડો બીઆર આંબેડકર અને બાળાસાહેબ ઠાકરે બંને પાસે સમાજની દુષ્ટતાઓ પર હુમલો કરવાનો વારસો છે. સામાન્ય લોકો બિનજરૂરી અરાજકતા અને સમસ્યાઓથી નિરાશ થઈ રહ્યા છે, જે નિરંકુશતાનો માર્ગ મોકળો કરી રહ્યો છે. અમે ખરાબ સમય સામે ઊભા રહેવા માટે એક પગલું ભર્યું છે.

પ્રકાશ આંબેડકરે શું કહ્યું

વંચિત બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકરે આ અંગે જણાવ્યું કે બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પર શિવસેના (UBT) અને VBAનું ગઠબંધન મહારાષ્ટ્રના રાજકારણમાં નવો બદલાવ લાવશે. આ પગલાથી રાજકીય સમીકરણ બદલાશે. એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યારે કેટલાક પક્ષોએ તેમના સાથી પક્ષોને ઘટાડવા અને ખતમ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજકીય પક્ષની જીતનો નિર્ણય લોકો પર છે. આપણા દેશની આ લોકતાંત્રિક પ્રક્રિયાને કોઈ બદલી શકે નહીં

RSS ચીફ અને BJP ઉપર ઉદ્ધવના પ્રહારો

આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ RSS ચીફ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોહન ભાગવત મસ્જિદ ગયા તો શું તેમણે હિન્દુત્વ છોડી દીધું? જ્યારે ભાજપે પીડીપી સાથે ગઠબંધન કર્યું ત્યારે શું તેઓએ હિન્દુત્વ છોડી દીધું? તેઓ જે કરે છે તે યોગ્ય છે અને જ્યારે આપણે કંઈક કરીએ છીએ ત્યારે હિન્દુત્વ છોડી દઈએ છીએ, તે યોગ્ય નથી.