મતદાન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધન કર્યું, જાણો શું કહ્યું

  • vatannivat
  • 05-12-2022 09:20 AM

- સત્ય સ્વીકારવું એ ગુજરાતનો સ્વભાવ છે, અહીંના લોકો દરેકની વાત સાંભળે છે: પીએમ મોદી

- મતદારોએ લોકશાહીના આ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી : મોદી

વડાપ્રધાને ચૂંટણી પંચને અભિનંદન આપ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કર્યું હતું. તેઓ લાઈનમાં ઉભા રહ્યા, તેમના વારાની રાહ જોઈ અને પછી તેમનો મત આપ્યો હતો. તેઓ સવારે 9.30 વાગ્યાની આસપાસ મતદાન મથક પર પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ મીડિયાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મતદારોએ લોકશાહીના આ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી છે. આ માટે હું તેને અભિનંદન આપું છું. હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપું છું કે તેમણે ખૂબ જ પ્રશંસનીય રીતે ચૂંટણી યોજવાની એક મહાન પરંપરા વિકસાવી છે જે સમગ્ર વિશ્વમાં ભારતની લોકશાહીની પ્રતિષ્ઠાને વધારે છે. ગુજરાતની જનતા દરેકનું સાંભળે છે. 

સાચું સ્વીકારવું તે ગુજરાતીઓનો સ્વભાવ 

વોટ આપ્યા બાદ વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતના લોકો દરેકની વાત સાંભળે છે, પરંતુ જે સાચું હોય તેને સ્વીકારવાનો તેમનો સ્વભાવ છે. તેમના સ્વભાવ પ્રમાણે તેઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. હું ગુજરાતના મતદારોનો પણ ખૂબ આભાર માનું છું. તેમણે કહ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના મતદારોએ 'લોકશાહીનો તહેવાર' ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો છે.

વડાપ્રધાનનાં માતા હીરા બાએ મતદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ ગાંધીનગરમાં મતદાન કર્યું હતું. હીરાબા વ્હીલ ચેર પર મતદાન મથકે પહોંચ્યા અને પોતાનો મત આપ્યો હતો.