વેદાંતા-ફોક્સકોન ડીલ મુદ્દે ફડણવીસની ટિપ્પણી પર આદિત્ય ઠાકરેનો વળતો પ્રહાર, જાણો શું કહ્યું

  • vatannivat
  • 18-09-2022 09:21 AM

- શું મહારાષ્ટ્ર પાકિસ્તાન છે કે તમે આ પ્રોજેક્ટ ગુજરાતને આપ્યો? : આદિત્ય ઠાકરે 

- વેદાંતા-ફોક્સકોને 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સરકાર સાથે MOU કર્યા હતા 

ડીલ રાજકીય દબાણ હેઠળ છીનવવામાં આવી : આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્રમાં વેદાંતા-ફોક્સકોન ડીલ પર રાજકીય ઘમાસાણ અટકવાનું નામ લઇ રહ્યું નથી. ત્યારે મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં 'શું ગુજરાત પાકિસ્તાન છે?' વાળા નિવેદન ઉપર શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે સૌ જાણે છે કે ગુજરાત પાકિસ્તાન નથી, પરંતુ મહારાષ્ટ્ર પાકિસ્તાન છે, કે તમે પ્રોજેક્ટ ગુજરાતના નામે કરી દીધો? મહારાષ્ટ્રના યુવાનોએ શું ભૂલ કરી છે? આદિત્ય ઠાકરેએ કહ્યું કે ડીલ રાજકીય દબાણ હેઠળ છીનવવામાં આવી છે.

ગુજરાતમાં વેદાંતા-ફોક્સકોન ડીલની જાહેરાત બાદ મહારષ્ટ્રમાં વિપક્ષના પ્રહારો 

ગુજરાતમાં વેદાંતા-ફોક્સકોન ડીલની જાહેરાત થયા બાદ શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એકનાથ શિંદે-ફડણવીસ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. એકમ પુણે નજીક સ્થાપવાનું હતું પરંતુ વેદાંતા-ફોક્સકોને 13 સપ્ટેમ્બરના રોજ એક આશ્ચર્યજનક રીતે ગુજરાત સરકાર સાથે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા બાદ એક મોટો રાજકીય વિવાદ સર્જાયો છે.

દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે 

ભારતીય સમૂહ વેદાંતા અને તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોન રૂ. 1.54 લાખ કરોડના રોકાણ સાથે દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે. વેદાંતા-ફોક્સકોન સંયુક્ત સાહસનું ડિસ્પ્લે FAB ઉત્પાદન એકમ, સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ યુનિટ રાજ્યના અમદાવાદ જિલ્લામાં 1000 એકર વિસ્તારમાં સ્થાપવામાં આવશે. આ સંયુક્ત સાહસમાં બંને કંપનીઓ અનુક્રમે 60 ટકા અને 40 ટકા હિસ્સો ધરાવશે.