રાહુલ ગાંધી દ્વારા વારંવાર લગાવવામાં આરોપો ઉપર અદાણીનું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 08-01-2023 06:38 AM

- રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને માત્ર રાજકીય નિવેદનો માનું છું : અદાણી 

- 22 રાજ્યોમાં બિઝનેસ કરીએ છીએ, દરેક જગ્યાએ ભાજપ નથી : ગૌતમ અદાણી

નીતિઓ બને છે તે દરેક માટે હોય છે, માત્ર અદાણી જૂથ માટે જ નહીં

વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ શનિવારે મીડિયાને ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. એક મીડિયા ગ્રૂપને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે અદાણી ગ્રુપની સફળતા પાછળ વડાપ્રધાન મોદીની નિકટતાના સવાલ પર કહ્યું કે તે પાયાવિહોણી વાત છે. અમે 22 રાજ્યોમાં બિઝનેસ કરીએ છીએ. તમામ રાજ્યોમાં ભાજપની સરકાર નથી. તેમણે વધુમાં કહ્યું કે અદાણી જૂથ ડાબેરી શાસિત રાજ્ય કેરળ, મમતા દીદીના પશ્ચિમ બંગાળ, નવીન પટનાયકના ઓડિશા, જગનમોહન રેડ્ડી અને કેસીઆરના રાજ્યમાં પણ બિઝનેસ કરે છે. અમને કોઈપણ રાજ્યમાં કોઈ સમસ્યા નથી. આ દરમ્યાન અદાણીએ જણાવ્યું હતું કે હું તમને કહેવા માંગુ છું કે તમે વડાપ્રધાન મોદીની અંગત મદદ ન લઈ શકો. તમે તેમની સાથે રાષ્ટ્રીય નીતિઓ પર વાત કરી શકો છો, પરંતુ જ્યારે નીતિઓ બનાવવામાં આવે છે, ત્યારે તે દરેક માટે હોય છે, માત્ર અદાણી જૂથ માટે જ નહીં.

રાહુલ ગાંધી વિશે શું કહ્યું

ગૌતમ અદાણીએ ઇન્ટરવ્યુ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વારંવાર કરવામાં આવેલા આરોપો પર પણ સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી એક આદરણીય નેતા છે અને તેઓ પણ દેશની પ્રગતિ ઈચ્છે છે. તેમણે વધુમાં કહ્યું કે, હું તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોને માત્ર રાજકીય નિવેદનો માનું છું અને આ બાબતોને ગંભીરતાથી લેતો નથી. રાહુલ ગાંધીએ રાજકીય પક્ષ ચલાવવો છે, તેમની વિચારધારાની લડાઈ છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો છે. હું એક સામાન્ય ઉદ્યોગપતિ છું અને મારું કામ કરું છું, જ્યારે રાહુલ ગાંધી પોતાના હિસાબે કામ કરે છે.

મુકેશ અંબાણી અંગે શું કહ્યું

ગૌતમ અદાણીએ દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અંગે પણ જવાબો આપ્યા હતા. અદાણીએ જણાવ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક તેમના પિતા ધીરુભાઈ અમારા માટે એક આદર્શ અને પ્રેરણા છે. તેમનો દીકરો મુકેશ અંબાણી મારો ખૂબ સારો મિત્ર છે અને હું તેમનો ખૂબ જ આદર કરું છું. દેશની પ્રગતિમાં તેમનું ઘણું યોગદાન છે. તેમણે રિલાયન્સને તેમના પેટ્રોકેમિકલના બિઝનેસ સિવાય જીઓ, ટેક્નોલોજી, રિટેલ સેક્ટર સાથે નવી દિશા આપી છે.