ગુજરાતમાં AAP દ્વારા મુખ્યમંત્રીપદનાં ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનાં નામની જાહેરાત

  • vatannivat
  • 04-11-2022 05:49 AM

- આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઈસુદાનનાં નામની કરી જાહેરાત 

- રાજ્યમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે.

અમદાવાદમાં મુખ્યમંત્રી પદનાં ચહેરાની કેજરીવાલે કરી જાહેરાત

ગુજરાત ચૂંટણીમાં પોતાની અને પોતાની પાર્ટીની તાકાત અજમાવવા જઈ રહેલા AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં આજે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી હતી. તેઓએ જાહેરાત કરતા કહ્યું કે ગુજરાતમાં ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર હશે. દિલ્હી બાદ પંજાબમાં જીત મેળવનાર કેજરીવાલને ગુજરાતની ચૂંટણીથી મોટી આશાઓ છે. ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. તે અંતર્ગત રાજ્યમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. આ સાથે જ સત્તાધારી ભાજપ ઉપરાંત મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ, AAP અને AIMIM સહિત અન્ય પાર્ટીઓએ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે.

શનિવારથી સીએમ ઉમેદવાર સાથે રોડ શો કરશે કેજરીવાલ 

ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ AAPએ ગુજરાતમાં પોતાનો પ્રચાર તેજ કર્યો છે. આમ આદમી પાર્ટી શનિવારથી રોડ શો શરૂ કરશે. જેમાં દિલ્હીના સીએમ કેજરીવાલ ગુજરાતમાં પાર્ટીના સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવી સાથે રહેશે. AAP રાજ્યમાં દરરોજ બે થી ત્રણ રોડ શો કરશે.

73 ટકા લોકોએ ઈસુદાનને પસંદ કર્યા

AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવારની રેસમાં પ્રદેશ પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીનાં નામ હતા. ઇટાલિયા ગુજરાતના પાટીદાર સમુદાયના છે. તેઓ પાટીદાર અનામત આંદોલનમાં પણ આગેવાન હતા. સાથે જ ઈસુદાન ગઢવી પૂર્વ પત્રકાર છે. AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 16 લાખ, 84 હજાર, 500 લોકોએ સીએમ ઉમેદવારને વોટ આપ્યો છે. જેમાં 73 ટકા લોકોની પસંદગી ઇસુદાન ગઢવી છે જ્યારે 27 ટકા લોકોએ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપ્યું છે.

ઈસુદાન ગઢવી વિશે 

ઇસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982ના રોજ ગુજરાતના પીપળીયામાં થયો હતો. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. શરૂઆતના દિવસોમાં તેઓ દૂરદર્શનના કાર્યક્રમ 'યોજના' સાથે પણ જોડાયેલા હતા. બાદમાં એક પ્રાદેશિક સમાચાર ચેનલમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. ઈસુદાન ગઢવી ગુજરાતી મીડિયામાં સૌથી યુવા ચેનલ હેડ હોવાનું પણ કહેવાય છે.