સુરતના નર્સિંગ એસોસિએશનની અનોખી પહેલ, તુર્કીમાં મેડિકલ ટીમ સેવા માટે મોકલવા તૈયાર

  • vatannivat
  • 10-02-2023 05:55 AM

- સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખે આરોગ્ય મંત્રી પત્ર લખી, તુર્કીમાં આવેલા ભૂકંપમાં સેવા કરવાની તૈયારી બતાવી

- નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ 75 જેટલા નર્સિંગ સ્ટાફ સાથેની ટીમ તૈયાર કરી

સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખે મેડિકલ ટીમ તૈયાર કરી

સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવા કરવા જવા માટે તૈયારી બતાવી છે. નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ 75 જેટલા નર્સિંગ સ્ટાફ સાથેની ટીમ તૈયાર કરી નાખી છે. આ અંગે ટીમનું લિસ્ટ રાજ્યના આરોગ્ય મંત્રીને મોકલી આપ્યું છે. સરકાર જ્યારે પણ આદેશ આપે તે સમયે તુર્કીમાં જઈને લોકોની સેવા માટે જવા માટે તૈયાર છે. તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો મોત થયા છે તેમજ સેકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખે  આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો 

તુર્કીમાં આવી પડેલી અણધારી આફત સામે સુરતનો નર્સિંગ એસોસિએશન દ્વારા મદદ માટે જવાની હિંમત બતાવી છે. સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી સુરતથી મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં સેવા કરવા માટે તૈયાર હોવાની જણાવ્યું છે.

તુર્કીમાં સેવા કરવા માટે ટીમને માત્ર સરકારના આદેશની રાહ 

ઈકબાલ કડીવાલાએ વધુમાં જણાવ્યું કે સરકારને ગમે ત્યારે જરૂર પડે અને નિર્ણય લેવાનો થાય કે તુર્કીમાં આપણા દેશમાંથી મેડિકલ ટીમ સેવા માટે મોકલવાની છે ત્યારે અમે અગાઉથી જ તૈયારી બતાવી દીધી છે. માત્ર સરકારના આદેશની જ રાહ છે,કે જ્યારે કહેશે ત્યારે અમારી 75 લોકોની ટીમ જવા માટે એકદમ તૈયાર છે. 

સુરત નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા ભૂતકાળમાં સેવાઓ સરાહનીય કામગીરી કરી ચૂક્યા

સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ આરોગ્ય મંત્રીને પત્ર સાથે જણાવ્યું હતું કે સુરત નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા ભૂતકાળમાં પ્લેગની બીમારી, ભુકંપ લાતુર, ભુકંપ ભૂજ અને ભુકંપ નેપાળમાં સેવાઓ સરાહનીય કામગીરી કરી ચૂક્યા છે