ગુજરાત પોલીસની ખાસ ઝૂંબેશ, E-FIR મળેલી ફરિયાદોની પુનઃતપાસ કરી ગુનો નોંધાશે

  • vatannivat
  • 16-02-2023 10:53 AM

-10 થી 25 ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝૂંબેશનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

- નકારાત્મક પ્રતિભાવો મળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

-  ઝૂંબેશ દરમિયાન ચોરાયેલા વાહન અને મોબાઈલ પરત મળતા સંબંધિત ન્યાયાલય મારફતે પરત કરાશે  

ફેબ્રુઆરી 2023 સુધીમાં કુલ 7953 અરજીઓ મળી 

ગુજરાત પોલીસ દ્વારા 23મી જુલાઈ, 2022 થી વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ પર ફરિયાદ નોંધવા માટે E-FIR સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. આ E-FIR સિસ્ટમ અંતર્ગત 8 મી ફેબ્રુઆરી, 2023 સુધીમાં કુલ 7953 અરજીઓ મળી હતી. તેમાંથી 1799 અરજીઓ માટે FIR નોંધવામાં આવી છે. જ્યારે બાકીની 6154 અરજીઓ ને દફતરે કરાઈ છે.

સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુનઃતપાસ કરાશે 

આ દફતરે કરેલી અરજીઓ અંગે ગાંધીનગરના સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો તરફથી નકારાત્મક પ્રતિભાવો મળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં 10 થી 25 ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝૂંબેશનું આયોજન કરવાનો નિર્ણય કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુનઃતપાસ કરી FIR નોંધવાની કાર્યવાહી કરવા માટે સૂચન કરાયું છે.

ANPR કેમેરાની મદદથી તપાસ કરવામાં આવશે.

આ ઝૂંબેશ દરમિયાન રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં 23/7/2022 થી 8/2/2023 સુધીના સમયગાળામાં દફતરે કરેલી અરજીઓની યાદી તૈયાર કરાશે. જેમાં અરજદારો પાસેથી વિગતો મેળવી સ્થળની મુલાકાત કરવામાં આવશે અને પ્રથમ દ્રષ્ટિએ તે નોંધનીય ગુનો સાબિત થતા FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે. વાહન ચોરી અંગે દાખલ થયેલા ગુનાઓમાં વ્હિકલ રજિસ્ટ્રેશન નંબર નેત્રમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને આપી ANPR કેમેરાની મદદથી તેની સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવશે.

E-FIR નંબરને ઓબ્ઝર્વેશનમાં મૂકી મોબાઈલને શોધવાની કાર્યવાહી હાથ ધરાશે 

આ ઉપરાંત મોબાઈલ ચોરીના ગુનામાં ગુજરાત પોલીસ દ્વારા E-FIR નંબરને ઓબ્ઝર્વેશનમાં મૂકી મોબાઈલને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ખાસ ઝૂંબેશ દરમિયાન ચોરાયેલા વાહન અને મોબાઈલ પરત મળતા સંબંધિત ન્યાયાલય મારફતે વાહનો અને મોબાઈલ ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.