ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ભાજપમાં જોડાયા

  • vatannivat
  • 09-11-2022 06:13 AM

- કોંગ્રેસનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

- મોહનસિંહ રાઠવા દસ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

મોહનસિંહ રાઠવા અને તેમનાં પુત્રો ભાજપમાં જોડાયા

ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેવામાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફેણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવા સમયે ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ પાર્ટીના સભ્યપદ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં તેમણે ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવા સાથે તેમના પુત્રો રાજેન્દ્ર અને રણજીત પણ ભાજપમાં જોડાયા છે.

મોહનસિંહ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર તેમના પુત્રને ઉમેદવાર બનાવવાની માંગણી કરી હતી

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. નોંધનીય છે કે મોહનસિંહ રાઠવાની ગણના ગુજરાતના અગ્રણી આદિવાસી નેતાઓમાં થાય છે. જયારે રાઠવા દસ વખત ધારાસભ્યપદે રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ગુજરાતની છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમના રાજીનામા અંગે એવી ચર્ચા છે કે તેમણે છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી તેમના પુત્રને ઉમેદવાર બનાવવાની માંગણી કરી હતી. આ પહેલા મોહનસિંહ રાઠવાએ જાહેરાત કરી હતી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ નહીં માંગે. ત્યારે હવે એ વાત સામે આવી છે કે કોંગ્રેસના રાજ્યસભા સભ્ય નારણ રાઠવાએ પણ કથિત રીતે આ જ બેઠક પરથી તેમના પુત્ર માટે ટિકિટ માંગી છે.