આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

  • vatannivat
  • 15-06-2022 08:58 AM

- સુરેન્દ્રનગર જિલ્લા સેવાસેદનખાતે યોજાઈ બેઠક 

- તમામ વિભાગને આ આયોજનમાં સહભાગી થવા અપીલ કરી 

ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ ઉજવણીનાં આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપ્યું 

આગામી તા. ૨૧ જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં યોગ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેનાં સુચારૂ આયોજન માટે સંબંધિત અધિકારીઓ સાથે કલેકટર કે. સી.સંપટના અધ્યક્ષસ્થાને  જિલ્લા સેવાસદનખાતે એક બેઠક યોજાઇ હતી. કલેક્ટર દ્વારા યોગ દિવસની ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ ઉજવણીનાં આયોજન માટે વિગતવાર માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવા સંગઠનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા વધુને વધુ યોગ શિબિરમાં ભાગ લે અને યોગ સંબંધિત જાગરૂકતા વધુને વધુ લોકોમાં પ્રસરે તે દિશામાં કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન-નિર્દેશ આપ્યા હતા. મિટિંગમાં હાજર વિવિધ અધિકારીઓ તથા યોગ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, યોગ કોચ, યોગ કો-ઓર્ડિનેટર વગેરેની ભૂમિકા સહિતની બાબતો અંગે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. 

તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા 

કલેકટર સંપટે જણાવ્યું હતું કે, દેશના ૧.૨૫ કરોડ લોકો આ કાર્યક્રમમાં જોડવાના છે તથા આરોગ્યવિષયક લોક જાગૃતિ આવે તથા યોગ દ્વારા સ્વાસ્થ્ય સુધારા માટે લોકો પ્રવૃત થાય તે માટે ‘માનવતા માટે યોગ' ની થીમથી ગ્રામ્યકક્ષા, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, શાળા, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, વગેરે આ આયોજનમાં સહભાગી બની ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવવા માટે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના સંબોધનનું રાજ્યભરના જિલ્લાઓમાં જીવંત પ્રસારણ થશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, ડીઆરડીએ નિયામક, પ્રાંત અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મહિલા અને બાળ વિકાસ અધિકારી, રમતગમત અધિકારી, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.