શ્રીદેવીના ચાહકોને મોટી ભેટ, તેમની પાંચમી પુણ્યતિથિ પર થિયેટરમાં રિલીઝ થશે તેમની આ ફિલ્મ

  • vatannivat
  • 07-02-2023 05:10 AM

 -શ્રીદેવીના ચાહકોને તેની પાંચમી પુણ્યતિથિ નિમિતે મોટી ભેટ

-24 ફેબ્રુઆરીએ તેની ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ ચીનમાં રિલીઝ થશે

શ્રીદેવી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક હતી. તેમણે  એકથી વધુ શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. ફેબ્રુઆરી 2018માં જ્યારે શ્રીદેવીનું અવસાન થયું ત્યારે તેમના ચાહકોને ખુબ જ  આઘાત લાગ્યો હતો. અભિનેત્રીની વિદાય બાદ લોકો ખૂબ જ દુખી હતા. 24 ફેબ્રુઆરીએ અભિનેત્રીની પાંચમી પુણ્યતિથિ આવી રહી છે. આ દિવસને ખાસ યાદ કરવા માટે, તેમની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ 24 ફેબ્રુઆરીએ ચીનમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે.


શ્રીદેવીએ લોકોના હૃદયમાં પોતાની ખાસ જગ્યા બનાવેલ હતી. તેમના અભિનયને લોકોએ ખૂબ પસંદ કર્યો. અભિનેત્રીની ફિલ્મ ઇંગ્લિશ-વિંગ્લિશ  દર્શકોને ખુબ પસંદ આવી હતી. ગૌરી શિંદે દ્વારા નિર્દેશિત, આ ફિલ્મનું 2012 માં ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું. આ ફિલ્મના થિયેટરમાં રિલીઝ થયા પછી, ઇંગ્લિશ-વિંગ્લિશ ફરીથી ચાઇનીઝ થિયેટરોમાં જોવા મળશે. વધુમાં જણાવીએ તો 15 વર્ષ પછી આ ફિલ્મ ફરી એકવાર ચીનમાં રિલીઝ થશે.


ઇરોઝ ઇન્ટરનેશનલે ચીનમાં રિલીઝના સંદર્ભમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ભારતીય ફિલ્મોએ ધીમે ધીમે સ્પર્ધાત્મક ચાઇનીઝ ફિલ્મ માર્કેટમાં પ્રવેશ કર્યો છે, જે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું છે. અમે ચીનમાં પ્રમાણમાં  ભારતીય ફિલ્મોની વધતી જતી માંગ જોઈ છે, ખાસ કરીને જે સાંસ્કૃતિક રીતે પ્રેરિત છે. બોલિવૂડની દિવંગત સુપરસ્ટાર શ્રીદેવીની સૌથી યાદગાર ભૂમિકાઓમાંથી એકનું પ્રદર્શન કરતી આ શ્રેષ્ઠ ફિલ્મ જોવા માટે અમે ચીનના પ્રેક્ષકો માટે ઉત્સાહિત છીએ.'


આ ફિલ્મ ગૌરી શિંદેના નિર્દેશનમાં બની હતી. ગૌરી શિંદેએ પોતાની માતાના જીવનના વાસ્તવિક અનુભવથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં શ્રીદેવીને ગૃહિણીના રોલમાં બતાવવામાં આવી છે. લગ્ન કર્યા પછી અને મોટા બાળકો થયા પછી અંગ્રેજી શીખવા જાય છે અને ત્યાં નવા મિત્રો બનાવે છે.


આ ફિલ્મ શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ શ્રેણીમાં 2012 એકેડેમી પુરસ્કારો માટે ભારતની સત્તાવાર એન્ટ્રી હતી. આ ફિલ્મમાં શ્રીદેવી શશી ગોડબોલેનું પાત્ર ભજવેલ  છે, જે એક શાંત, મીઠા સ્વભાવની ગૃહિણી છે. આ ફિલ્મમાં શ્રીદેવી સાથે આદિલ હુસૈન, સુમિત વ્યાસ, પ્રિયા આનંદ, સુલભા દેશપાંડે અને ફ્રેન્ચ એક્ટર મેહદી નેબુ પણ જોવા મળ્યા હતા.