લખતરનાં વિઠ્ઠલગઢ ગામે કોંગ્રેસના ધારાસભ્યોની હાજરીમાં માલધારી સંમેલન યોજાયું

  • vatannivat
  • 12-10-2022 11:26 AM

- ત્રણ ધારાસભ્યોએ ઢોર નિયંત્રણ કાયદાને લઈને સરકાર ઉપર પ્રહારો કર્યા 

- મોટી સંખ્યામાં માલધારીઓ રહ્યા ઉપસ્થિત 

રાજ્યની ભાજપ સરકારને માલધારી વિરોધી સરકાર ગણાવી

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીની જગ્યામાં વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડનાં અધ્યક્ષસ્થાને માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દસાડા-લખતર વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય નૌશાદ સોલંકી, રાધનપુર બેઠકના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો ઉપસ્થિત ધારાસભ્યોએ ઢોર નિયંત્રણ કાયદાને લઈને રાજ્ય સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તેઓએ રાજ્યની ભાજપ સરકારને માલધારી વિરોધી સરકાર ગણાવી હતી. 

મેં કહ્યું હતું કે આ વિધાનસભાની દીવાલો ઉપર લખી લ્યો, આ કાયદો પાછો લેવો પડશે : નૌશાદ સોલંકી

આ સંમેલનમાં દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સંબોધન કરતા જણાવ્યું કે વિધાનસભામાં કાયદો પસાર થયો ત્યારે મેં કહ્યું હતું કે આ વિધાનસભાની દીવાલો ઉપર લખી લ્યો, આ કાયદો પાછો લેવો પડશે. ત્યારે સરકારે આ કાયદો પાછો ખેંચવો પડ્યો છે. જો આગામી સમયમાં ભાજપની સરકાર બનશે તો આ લોકો છેતરવામાં માહિર છે તેઓ સુધારા સાથે ફરી આ કાયદો લાવી શકે છે. દૂધ નહીં ભરવાનું આહવાન થતા માલધારી સમાજે એક્તા બતાવતા સરકારે ઝુકવુ પડ્યું અને કાયદો પરત લીધો છે. 

સરકારે ગૌચર માટેની ભૂમિ ઉધોગોને આપી તે નષ્ટ કરી પાપ કર્યું : રઘુભાઇ દેસાઈ 

માલધારી સંમેલનમાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું કે સરકારે ગૌચર માટેની ભૂમિ ઉધોગોને આપી તે નષ્ટ કરી પાપ કર્યું છે. 500 કરોડ ગૌશાળાઓ માટે જાહેર કર્યા પરંતુ ક્યાંય ચૂકવ્યા નથી. કારણ કે તે બધા રૂપિયા એસ.ટી.બસો ભરવામાં અને પ્રોગ્રામમાં ખર્ચાઈ ગયા છે. 

માલધારી સમાજની એક્તા જોઈને મત નહીં મળવાની બીકે કાયદો પરત ખેંચ્યો : લાખાભાઇ ભરવાડ

આ સંમેલનમાં અધ્યક્ષ રહેલા વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે માલધારીઓને સંબોધન કરતા જણાવ્યું કે ભાજપ સરકારે ગાય માતાનાં નામે મત લીધા પરંતુ હવે ગાય માતાની ચિંતા પણ કરતા નથી. આ કાયદામાં 5 હજારથી લઈને પાંચ લાખના દંડ તેમજ ત્રણ વર્ષ સુધીની જેલની જોગવાઈઓ હતી. માલધારી સમાજની એક્તા જોઈને તેઓને મત નહીં મળવાની બીકે તેઓએ કાયદો પરત ખેંચ્યો છે. તેઓએ કોંગ્રેસ શાસનની વાત કરતા જણાવ્યું કે ગુજરાત માલધારી વિકાસ બોર્ડ પણ માધવસિંહ સોલંકી સરકારે આપ્યું હતું. ત્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો દૂધમાં એક લિટરે પાંચ રૂપિયાની સબસીડી આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. 

મોટી સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત 


લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામે યોજાયેલ આ માલધારી સંમેલનમાં લખતર-દસાડા તાલુકામાંથી તેમજ દસાડા વિધાનસભા સીટ હેઠળ આવતા નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માલધારીઓ હાજર રહ્યા હતા. માલધારીઓએ ઉપસ્થિત ત્રણેય ધારાસભ્યોનું સન્માન કર્યું હતું. જ્યાં ધારાસભ્યોએ ખોડિયાર મંદિરે દર્શન કરી સંમેલન શરૂ કર્યું હતું.

હોદ્દેદારો હાજર રહ્યા 

આ કાર્યક્રમમાં માલધારી પંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઈ રબારી, લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ નૈત્રા,દસાડા કોંગ્રેસના હોદ્દેદારો, તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ રાણા, તાલુકા કોંગ્રેસ માલધારી સેલના ભરતભાઈ અલગોતર સહીત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.